માતા - પિતાએ બાળકો સાથે કેવી રીતે વર્તવું ?
સ્નેહી શ્રી,
આજે વિશ્વ એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યું છે ત્યારે, શિક્ષણનું મહત્વ દિન - પ્રતિદિન વધતું જાય છે. ડો. વિલડ્યુરા પોતાના પુસ્તક ' ધ લેસન્સ ઓફ હિસ્ટરી ' માં લખે છે કે એક સમયે શાળા, કોલેજ સુખી વર્ગના લોકો માટે શોખનો વિષય હતી. પરંતુ આજે સામાન્ય માણસ પણ દોડતા દોડતા Ph. D થઇ શકે છે. આજ નો યુગ સ્પર્ધાનો છે. જે સંઘર્ષ ના કરી શકે તે નિષ્ફળ જાય. આ બાબત વિદ્યાર્થી માટે પણ એટલીજ અગત્યની છે. વિદ્યાર્થીના સંઘર્ષમાં અમારું - શિક્ષકોનુ માર્ગદર્શન તો હશે જ પરંતુ એથીયે વિશેષ માર્ગદર્શન એમના માતા - પિતા એ આપવું જોઈએ. એવું કહેવાય છે કે ' એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.' અને એટલે જ અમો વાલીઓ પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખીએ છીએ.
બાળકનો પ્રથમ પ્રેમ માતા પ્રતિ છે, પછી પિતા પ્રતિ, માતા - પિતાની ઓથે, માતા - પિતાના પ્રેમ પિયૂષથી પોષિત બાળક વટવૃક્ષ બને છે. છોડને ઓથ ન મળી હોય તો, આડું અવળું ગમે તે દિશામાં ફૂટી નીકળે છે. તેથી જ પ્રેમની, હૃદયની ભાષા સાંભળતા બાળક માટે માતા - પિતાનો સહવાસ જરૂરી છે.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, 'માતા પિતાની હુફમાં બાળકની ગ્રહણશક્તિ ઘણી જ વધી જાય છે. અને તેનો વિકાસ ઝડપી અને સુંદર રીતે થાય છે.'
બાળક શ્રેષ્ઠ નકલખોર છે. ઘરમાં માતા પિતાનું અનુકરણ બાળક અચૂક કરે છે. બાળકના અભ્યાસમાં ટી. વી. જોવાની નાં પાડે તે યોગ્ય ના કહેવાય. મલેશિયાની "Consumers Association Of Peanang (CAP)" નામની સંસ્થાએ સર્વેક્ષણમાં જણાવ્યું કે ટી. વી. પરના કાર્યક્રમમાં રોજના ૭૩૬ હિંસાત્મક દ્રશ્યો આવે છે. હોલીવુડના ફિલ્મસ્ટાર રીચાર્ડ ડ્રેફસે પોતાના ઘરમાંથી ટી .વી. સેટ ઉચકીને બહાર ફેંકી દીધો અને કહ્યું કે, " મારા ત્રણ બાળકોના ભવિષ્ય માટે આવું કરવું અનિવાર્ય હતું."
અમેરિકન વૈજ્ઞાનિક ડો. જહોન એમ. ઓર્ટેએ પૂરવાર કર્યું કે ટી. વી. ના રેડીએશનથી જ્ઞાનતંતુ ઉપર અસર થાય છે. જે યાદશક્તિ ઘટાડે છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુબ જ અનુકૂળ પર્યાવરણની જરૂરીયાત હોય છે. ઘરના આવા પર્યાવરણને બે ભાગમાં વહેચી શકાય.
(૧) ભૌતિક પર્યાવરણ :- જેમાં વિદ્યાર્થીની ભૌતિક સવલોતોનો સમાવેશ થાય છે. પરંતુ કેટલાક વળી આર્થિક રીતે આ સવલતો પૂરી કરી શકવા અસમર્થ હોય છે. છતાં પણ વિદ્યાર્થીઓ સફળતા મેળવે જ છે. એટલે કે આ પર્યાવરણ એટલુ બધું અગત્યનું નથી. કે જેના વગર વિદ્યાર્થીને ચાલે નહીં.
(૨) સામાજિક પર્યાવરણ :- એવું કહેવાય છે કે ' ધરતીનો છેડો ઘર' અહિયાં ઘર એટલે માત્ર સિમેન્ટ અને પથ્થરની બનેલી ચાર દીવાલોની વાત નથી થતી પરંતુ જ્યાં સ્નેહ અને આનંદનું વાતાવરણ હોય એવી જગ્યા. પરંતુ જો ઘરમાં તણાવ હોય, માતાપિતા વચ્ચે ઝગડા થતા હોય, કે કંકાસભર્યું વાતાવરણ હોય તો બાળક માનોવિકૃતિ અવસ્થામાં જીવે છે. અને તેની ગંભીર અસર અભ્યાસ પર પડે છે.
લેડી હેમિલ્ટને નામની સમાજસેવિકા વિશ્વને સુધારવામાં ખુબ જ ધ્યાન આપતી હતી. પરંતુ તેના ઘર માટે સમય ન હતો. તેને જ્યારે ખબર પડી તેનો દશ વર્ષનો બાળક સિગરેટ પીતો થયો છે ત્યારે તેને પોનાની ભૂલ સમજાઈ.
અભ્યાસમાં નબળું પરિણામ લાવનાર બાળકને મોટા ભાગે વાલીઓ તરફથી ઠપકો મળતો હોય છે. જેને કરને હતાશાની ઊંડી ખીણમાં જઈ પડે છે. અને પોતાની જાતને એકલી સમજે છે. તેને બદલે જો વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી બે શબ્દો એવા કહેવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ન કરે. અને એવા મહાન માણસોના જીવનમાંથી પ્રેરણા મેળવે કે જેમને વારંવારની નિષ્ફળતા પછી જ સફળતા મળી હતી. જેને કારણે વિદ્યાર્થી એવું વિચારતો થાય કે Bette Next Then Never .
ઘણા વાલીઓ પોન્તાની ફરજ બજાવતા બજાવતા વારંવાર વિદ્યાર્થી પર ટક ટક કરે છે. 'ટકટક' કરવાથી 'રકઝક' ઉત્પન્ન થાય છે. પરંતુ તેનું પરિણામ તો સારું ન જ આવે. તેને બદલે જરૂર જણાય ત્યાં સારી મૃદુ ભાષામાં એક જ 'ટકોર' કરવામાં આવે તો પણ બાળક 'ચાકોર' બને.
વિદ્યાર્થી ઉમર અગત્યના નિર્ણયો કરી શકે તેવી હોતી નથી. અને તરુણો હંમેશા વર્તમાન પ્રવાહમાં તણાતા હોય છે. તેના મોટા ભાગના નિર્ણયો ટોળાશાહી હોય છે. માટે વિદ્યાર્થીના નિર્ણયોમાં માતા પિતાએ સાથે રહેવું જરૂરી બને છે.
માતા પિતાના બાળક પ્રત્યેના વ્યવહારને મારી દ્રષ્ટીએ હું ત્રણ ભાગમાં વહેંચી શકું.
(૧) આદેશાત્મક વ્યવહાર :- જેના માતાપિતા હંમેશા પોતાના સંતાનને આદેશ આપતા હોય છે. તે ક્યારેય તેમના સંતાનને સંભાળવાની કે સમજવાની કે તેમનું મંતવ્ય જાણવાની કોશિશ કરતા હોતા નથી. માત્ર આદેશ જ આપ્યા રાખે છે.
(૨) સલાહકીય વ્યવહાર :- જેમાં માતાપિતા પોતાના સંતાન સાથે વાતચીત કરે છે, તેમની સમસ્યા સંભાળે છે. પરંતુ તેની સમસ્યાના ઉકેલમાં જાતે ભાગ લેવાને બદલે તેમને સલાહ આપે છે. પરંતુ ઘણી વખત બાળકને માત્ર સલાહની નહીં, પરંતુ સહકારની જરૂર હોય છે. જે ન મળવાથી તે હતાશ થઈ શકે.
(૩) સહભાગકીય વ્યવહાર :- જેમાં માતાપિતા અને સંતાન વચ્ચે તમામ પ્રકારની વાતચીત નિખાલસપણે ચર્ચાય છે. તેઓ એકબીજાને સમજવાના પ્રયત્ન કરે છે. અને તમામ પ્રકારની મુશ્કેલી કે સમસ્યનો સાથે મળી ઉકેલ લાવે છે. આ પ્રકારના વ્યવહારમાં માતાપિતા તેમના સંતાન માટે ફ્રેન્ડ, ફિલોસોફર, અને ગેડ એમ ત્રેવડી ભૂમિકા ભજવે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે આવો વ્યવહાર સર્વોત્તમ કહી શકાય.
પહેલા માતા-પિતાને હું એક ભલામણ કરવા ઈચ્છું છું. પોતાના બાળકો માટે સાચી કેળવણી કે હોય શકે એ બાબતમાં મોટા ભાગના માંબાપ, જુદા જુદા કારણે ભાગ્યે જ કાંઈ વિચર કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ એમાં જ માની લે છે કે બાળકને અમે જગતમાં જન્મ આપ્યો, તેને ખવડાવ્યું - પીવડાવ્યું, તેનું આરોગ્ય બરાબર જળવાય તે રીતે તેની બનતી સંભાળ રાખી અને તેની વિવિધ સ્થૂળ જરૂરિયાતો પૂરી પડી એમાં અમારું માબાપ તરીકેનું કર્તવ્ય પૂરેપૂરું આવી ગયું. હવે બાળક મોટું થશે એટલે એને નિશાળે મૂકી આવશું અને તેની માનસિક કેળવણીનું કામ શિક્ષકના હાથમાં સોપી દઈશું.
તમારા બાળકો તમને મન આપે તેમ ઇચ્છતા હો તો પ્રથમ તો તમે પોતે જ તમારી જાતને મન આપતા શીખો, તમારા વર્તનમાં કદી પણ તરંગીપણું ન આવે, અસંયમ ન આવે, તેમાં તુમાખી ન આવે, અધીરાઈ ન આવે, બદમિજાજ ન આવે. તમારું બાળક તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમારો જવાબ તે સમજી શક્યો નથી એમ માનીને તમે તેને મૂર્ખાઈભરેલો જવાબ ના આપશો. તમે જો બરાબર પ્રયત્ન કરશો તો તમારી વસ્તુ તમે હંમેશા બાળકને સમજાવી શકશો. બાળકોને કદી ઠપકો ન આપશો. વારેવારે ઠપકો મળતાં બાળક ઠપકાથી ટેવાય જાય છે. પછી તમે તેને ગમે તે કહો, અવાજમાં ગમે તેટલી કઠોરતા લાવો પણ તેને તેનું કશું મહત્વ જ રહેતું નથી અને ભૂલ તમે પોતે કરી હોય અને તે માટે દોષ તમે બાળકનો કાઢો એવું તો કડી પણ થવા ન દેશો.
બાળક કોઈ ભૂલ કરી બેસે ત્યારે કબુલાત આપમેળે અને નિખાલસ ભાવે કરે એમ થવા દેજો અને તે પોતાની ભૂલ કબુલ કરે ત્યારે તેને પ્રેમપૂર્વક અને માયાળુપાણે સમજાવજો કે તેનાં કાર્યમાં ક્યાં ભૂલ હતી અને એને તે તેણે ફરીથી ન થવા દેવી જોઈએ.પણ કોઈ પરિસ્થિતિમાં તેને ઠપકો તો ન જ આપશો. જે ભૂ કબુલ કરી લેવાઈ હોઈ તેની તો માફીજ આપવી જોઈએ તમારી અને તમારા બાળક વચ્ચે ભયનું તત્વ દાખલ થઈ જાઈ એમ તો કદી ન થવા દેશો. બીકના પાયા ઉપર કેળવણીનું મંડાણ કરવું એ તો મહા જોખમનો માર્ગ છે. બીકમાથી બાળક હંમેશા અસત્યનો અને દંભનો આશરો લેવા માંગે છે. બાળક પ્રત્યે તમારો પ્રેમ એવો હોય કે તેમાં સ્પષ્ટ દ્રષ્ટી જ્ઞાન હશે તો તમારી અને બાળકની વચ્ચે આ વિશ્વાસ હોવો અનિવાર્ય છે અને પેલી વસ્તુ કદી ભ્લશો નહિ કે તમારે સદાય અને સતત તમારી જાતને વટાવી ઊંચે ને ઊંચે ચડાવવાનું છે બાળકને જગતમાં જન્મ આપીને તમે તેના તરફ એક ફરજ નોતરી લીધેલી છે. એ ફરજ તમારે સાચી રીતે અદા કરવાની છે અને તેનો એક જ માર્ગ છે: તમે વધુ ને વધુ ઉન્નત બનો.
- હિતેશ ખરેડ